Home About Dhrangadhra City About Nagarpalika Administrative Work Vision 2020 Citizen Charter Photo Gallery Feedback   Lok Ladila Neta
   
   

 
સ્થાપત્ય ઈતિહાસ

૬. આવાગમન અને સંદેશાવ્યવહારનાં સાધનો

    રાજયની રાજધાની ધ્રાંગધ્રાને મહાલનાં મુખ્ય મથકો સાથે જોડતા રસ્તા બાંધવામાં આવ્યા હતા. તેથી રાજવી મોટર માર્ગે ગામડાંઓ સુધી જઈ પોતાની પ્રજાની મુશ્કેલીઓ માગણીઓ જાણી શકતા. ૧૯૧પ માં ધ્રાંગધ્રા-હળવદ રેલવે નાખવામાં આવી. તેનો કુલ ખર્ચ રૂ. છ લાખ થયો હતો. તે અગાઉ ૧૮૯૮ માં ધ્રાંગધ્રા-વઢવાણ રેલવે બંધાઈ ચૂકી હતી. આ રેલવેનો વહીવટ ધ્રાંગધ્રા રાજયે રેલવે વહીવટના અનુભવી ભાવનગર રાજયને સોંપ્યો હતો. તે બંને રાજયોના મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક ગણાવી શકાય. ધ્રાંગધ્રા રાજયની રેલવેનું બાંધકામ પણ ભાવનગર રાજયના રેલવેના મેનેજર લેફ. આર.ઈ. ઈઝતના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ રેલવેથી રાજયને ૭ ટકા ડિવિડંડ મળતું હતું. જોકે ધારણા તો ૩ ટકાની જ હતી. ધ્રાંગધ્રા ગામમાં શકિતમંદિરથી દિલ્હી દરવાજા સુધી ટ્રામવે ચાલતી હતી વળી તારટપાલ તથા ટેલિફોનની સગવડોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

૭. સાર્વભૌમ સત્તા સાથેના સંબંધો

   આ સંબંધો મૈત્રીપૂર્ણ હતા. પ્રથમ વિશ્વયુધ્ધ સમયે રાજયે બ્રિટિશ સરકારને બધી રીતે સહકાર આપ્યો હતો. યુધ્ધલોનમાં રાજયે રૂ. ૯.૭પ લાખ રોકયા હતા. રાજા તથા પ્રજા ધ્વારા યુધ્ધ માટે રૂ. ૩.૮૩ લાખની મદદ અપાઈ હતી. આ મદદની કદર કરીને સાર્વભૌમ બ્રિટિશ સત્તાએ ઘનશ્યામસિંહજીને ૧૯૭૧ માં કે.સી.એસ.આઈ. નો ખિતાબ આપ્યો હતો. આમ સતત ચાર પેઢી સુધી બ્રિટિશ સરકાર તરફથી ધ્રાંગધ્રાના રાજવીઓને આ ખિતાબ અપાયો હતો. આ પૂર્વે તે રણમલસિંહને અપાયો હતો. ૧૯૧૮ માં ઘનશ્યામસિંહજીને 'મહારાજા' નો દરજજો અપાયો હતો. તેથી તેમનું માન વધારીને ૧૩ પોતોનું કરવામાં આવ્યું હતું. પછીથી ૧૯રર માં તેમને જી.સી.આઈ.ઈ. નો ઈલકાબ અપાયો હતો.

૮. રાષ્ટ્રીય ચળવળ

    ધ્રાંગધ્રા રાજય રાષ્ટ્રીય ચળવળ પ્રત્યે નાખુશી દર્શાવતુ હતું. ૧૯૩૧ માં ધ્રાંગધ્રાના આગેવાન માણેકલાલ નાનજીભાઈ તથા અન્ય કાર્યકર્તાઓએ રાજયની પૂર્વ પરવાનગી લીધા વિના કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠુ અધિવેશન ધ્રાંગધ્રામાં ભરવાનું નિમંત્રણ મોકલેલું. તેથી રાજયે તે ભરવા ઉપર પ્રતિબંધ મૂકયો. કાર્યકર્તાઓએ ર૧ સપ્ટેમ્બર, ૧૯૩૧ ના 'ધ્રાંગધ્રા દિન' ઉજવવાનું નકકી કર્યું. તે પ્રસંગે બહારથી પણ અનેક સત્યાગ્રહીઓ આવ્યા. રાજયે મચક આપવાને બદલે દમનનો કોરડો વીંઝયો. પરિણામે ૭૦ દિવસની હડતાળ પડી ભાંગી અને ધ્રાંગધ્રા સત્યાગ્રહનો કરુણ અંત આવ્યો. આ નિષ્ફળતાથી ધ્રાંગધ્રાની પ્રજા અને સૌરાષ્ટ્રના કાર્યકરોમાં હતાશા વ્યાપી ગઈ. પરંતુ તેનાથી આ પ્રદેશના લોકોમાં રાજકીય જાગૃતિ આવી હતી.

Next   
Back   
1   2   3   4   5   6   7  
 
 
 
 
 
 
 
 
 
 
 
Shaheri Vikas Varsh Pravasan Varsh
Powered By :