માનસિંહજીનું ૧૯૦૦ માં અવસાન થયું. તેમના યુવરાજ જશવંતસિંહજી તેમના જીવનકાળમાં જ અવસાન પામ્યા હતા. તેથી તેમના પૌત્ર અજિતસિંહજી ગાદીએ બેઠા. તેમના શાસનના પ્રથમ વરસે જ છપ્પનિયો દુકાળ પડેલો. ત્યારે તેમણે દુકાળ રાહત કાર્યો ઉપર ખૂબ ધ્યાન આપ્યું હતું. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પાશ્ચાત્ય શિક્ષાણ પામેલા આ શાસકનો રાજયકાળ માત્ર ૧૧ વર્ષનો હતો, છતાં તેમણે ધ્રાંગધ્રા રાજયને આધુનિકરણ તરફ લઈ જવા પ્રયાસ કર્યો હતો. તેમણે રાજયમાં કાયદાનું સ્થાન સ્થાપ્યું હતું. તેમના શાસનના પરિણામે રાજયમાંથી ગુનાખોરીનું પ્રમાણ નહિવત થઈ ગયું હતુ. તેમણે એક મોડેલ-સેનાની રચના કરી હતી. તેમાં મિયાંણા જેવી યુધ્ધપ્રિય બંડખોર જાતિમાં પણ શિસ્ત સ્થપાઈ શકે છે તેવું સાબિત કરી બતાવ્યું હતું. તેમણે સેનાને કાર્યદક્ષા તાલીમ આપવાની વ્યવસ્થા કરી હતી. તેમણે પોતાની સેનાને ચપળતા અને શિસ્તનું આદર્શ મોડેલ બનાવી હતી. ખોટું કરનારા અને અપરાધી માનસ ધરાવતા લોકો તેમનાથી ડરતા હતા. ૧૯૦૮ માં અજીતસિંહજીએ બ્રિટિશ સરકારને વાયવ્ય સીમા પ્રાંતમાં લડાયક જાતિઓના બળવાને શમાવવા પોતે પોતાની સેના સાથે જવાની તૈયારી દર્શાવી હતી. પોતાની સેનામાં તે શકય હોય ત્યાં સુધી પોતાના ઝાલાવંશના ભાયાતોમાંથી નીમતા.
અજિતસિંહજીએ નવ નવાં ગામ વસાવ્યાં, દુકાળમાં પ્રજા માટે રાહત કાર્યો ખોયાં. ખેતીની જમીનમાં એક હજાર સાંતીની જમીનનો વધારો કર્યો, કપાસના ઉત્પાદનમાં વધારો કરાયો. ધ્રાંગધ્રાના કપાસના સારા ભાવ મળતા હતા તેથી ખેડૂતો તથા રાજયની આવકમાં વૃધ્િધ થઈ. મુંબઈની બજારમાં ધ્રાંગધ્રાના કપાસના ભાવ ભરૂચના કપાસ જેટલા જ મળતા. ખેડૂતોને શાહુકારોના શોષણમાંથી છોડાવવા કૃષિ-બેન્ક સ્થાપવામાં આવી. વહીવટમાં સુધારણા માટે ટીકરમાં એક નવા મહાલકારીની, હળવદ મહાલમાં એક રેવન્યૂ અમલદારની નિમણૂક કરાઈ અને સીથાપુર, મેથાણ તથા ઉમરાળામાં અદાલતો સ્થાપવામાં આવી. ઘનશ્યામ કોટન-પ્રેસ શરૂ કરાયો.
|